Friday, June 21, 2013

કાબર


કાબર

શું તમે મેના જોઈ છે, તે કેવા રંગની હોય? આ પ્રશ્નનો જવાબ ઘણાને ખબર નથી હોતો. કોઈ હા પાડે તો કહે કાળા રંગની. ખરેખર હિન્દી અને અંગ્રેજીમાં મૈના એટલે ગુજરાતીમાં કાબર. મરાઠીમાં તેને સાલોંકી અને મધ્યપ્રદેશમાં ગુલ્ગુલ તરીકે ઓળખાય છે. શહેરની આસપાસના નવા વસાહતમાં તે તરતજ પહોંચી જાય, ભલે તે એક નાની રોડ ઉપરની નાની ચાની લહારી હોય.
કાબરના ભૂખરા શરીર ઉપર પીળી ચાંચ અને આંખ પાસે પીળું ધાબું તરતજ દખાઈ આવે છે. તેને પીળા રંગના પગવડે ડગમગ કરીને ચાલે, તો ઘણીવાર કકૂદતા કૂદતા એક બાજુ ચાલે. નર અને માંદા કાબર બન્ને સરખાં દેખાય છે. કાબર ઘણા પ્રકારના અવાજ કાઢે છે, અને બીજા પક્ષીઓની બોલીની મિમિક્રી કરે છે. પહાડી કાબર તો ફોન ની ઘંટડીની પણ મિમિક્રી કરી બતાડે છે. સાદી કાબરની જેવીજ એક બીજી કાબર ( રંગ ભૂરો) પણ નાળા અને વોકળાની બાજુમાં જંતુ અને કચરો ખાતાં દેખાય, તે છે ઘોડા કાબર.
એપ્રીલથી ઓગસ્ટ દરમિયાન દીવાલ કે વૃક્ષના બખોલમાં કચરો, કાગળ અને પાતળી સળીઓ વડે કાબર માળો બનાવે અને ૪ થી ૫ આછા વાદળી રંગના નાના ચકમકતા ઈંડા મૂકે, નર અને માદા કાબર બન્ને એક સારા વાલી તરીકે બચ્ચાનું ધ્યાન રાખે છે.
વગડામાં રહેતી કાબર ફળ અને નાનાં જંતુઓ ખાય છે, પણ આપણી આસપાસ રહેતી ઘરેલું કાબર નો પ્રિય ખોરાક છે રસોડાનો કચરો. રાજકોટના એક બસ સ્ટેન્ડ પાસે લોકો કાબરના ટોળાને ગાંઠિયા ખવડાવા આવે છે. 

ચકલી


ચકલી

આ નાનકડાં પક્ષીને આપણે નાનપણથીજ ઓળખીયે છીએ, અને તેના ઉપર ઘણી વાર્તાઓ પણ સાંભળી હશે.
પણ કોઈ કારણસર તેની સંખ્યા બહુજ ઓછી થઇ ગઈ છે. માયક્રોવેવ ટાવરોમાંથી નીકળતા રેડીએશન એનું મુખ્ય કારણ ગણાય છે. ચકલીના સંરક્ષણ નિમિત્તે ૨૦ માર્ચે
‘વિશ્વ ચકલી દિવસ’ ઉજવાય છે. અવનવા ચકલીના માળાઓનું વિતરણ થાય અને થોડાંક કેટલાક વર્ષમાં ફક્ત ગુજરાતમાંજ પચાસ હજારથી પણ વધુ માળાઓનું વિતરણ થયું છે.
આખા ભારતમાં ( સિવાય આંદામાન અને લક્ષદ્વીપ) રહેતી ચકલીને હિન્દીમાં ગોરીયા અથવા ચૂરી કહે અને અંગ્રેજીમાં હાઉસ સ્પેરો” . તે આપણી આસપાસ રેહવા ટેવાયેલી છે.
ચકલાને માથા અને ગળા ઉપર કાળો પેચ હોય અને ચકલી આછા ભૂખરા રંગની હોય છે. ચકલી ડગલાં ભરીને નહિ પણ કૂદતી કૂદતી ચાલે છે. પાંખમાં જીવાત કે કચરો ભરાય ત્યારે ચકલી રેતીમાં નહાય તો કેટલીક વાર પાણીમાં પાંખ ફાફ્ડાવી મજા કરે છે. ચકલી કેમ બોલે? એ તો બધાયને ખબરજ હોયને?
આમતો ચકલીનો મુખ્ય ખોરાક દાણા છે પણ તે નાની જીવાત અને કુમળાં બી પણ ખાય છે. બીજ રોપણ વખતે ચકલીઓનું ટોળું ખેતરમાં ફરીવળે અને પાકને નુકશાન પહોંચાડે છે. વર્ષ દરમ્યાન ચકલી ગમે ત્યારે કુમળાં સૂકાં ઘાંસવડે પોતાનો માળો બનાવે અને બન્ને ચકલી અને ચકલો વાલી તરીકે પોતાની ફરજ બજાવે છે. માળાની નજીક કોઈ પણ જાય તો ચકલો પોતાની પાંખ પહોળી રાખી ચરરર ચરરર કરીને અણગમો વ્યક્ત કરે છે.
હવે ખાસ લખવાનું કે તમારે ઘેર હજુ સુધી માળો ન લગાડ્યો હોય તો લગાડી લ્યો અને ચકલી બચાઓઅભિયાનમાં યોગદાન આપો.

કાગડો


કાગડો

કાગડો ઘરની આસપાસ બોલે તો મહેમાન આવે તેમ કેહવાય છે, અને કેટલાક એને અપશુકનિયાળ પણ માંને છે.
અંગ્રેજીમાં આપણા સદા કાગડાને હાઉસ ક્રોકહે છે. કાગડાને માંથા ગળા અને પેટ સુધીનો ભાગ ભૂરા રંગનો હોય પણ આખા કાળા કાગડા પણ હોય છે જેને અંગ્રેજીમાં રેવન કહે છે અને તે આપણા સદા કાગડા કરતા કદમાં મોટો હોય છે. આખા કાળા કાગડાની એક પ્રજાતિ જંગલમાં વસે છે. ગુજરાતીમાં તેને મહાક્કાગ અથવા ગિરનારી કાગડો કહે છે. ગામડામાં કે સીમમાં રહેતા લોકોને કાગડા ઓછા દેખાતા થઇ ગયા છે, પણ શહેરોના કચરા વાળા ભાગમાં એકલા કાગડા પોતાનું રાજ જમાવી બેઠા હોય છે.
કા...કા...અને કરકસ અવાજે બોલતો કાગડો લગભગ બધુંજ ખાય છે. ગટરના મરી ગયેલા ઉંદરથી માંડીને  રસોડાનો વાસી કચરો, જંતુઓ, ઉધઈ અને ક્યારેક એ બીજા પક્ષીઓના માળામાંથી ઈંડા અને નાના બચ્ચાંનો  શિકાર કરી લે  છે. કાગડોતો ખરેખર આપણા સફાઈ કામદાર તરીકે કામ કરેછે.
કાગડા ટોળામાં ખાસ મોટા પાનવાળા ઊંચાં વૃક્ષપર રાત ગુજારે અને એપ્રિલથી જૂન માસ દરમિયાન તે સાંઠીકડા, પાતળા લોખંડના વાયર અને ભૂંસા વડે પોતાનો મોટા કપ આકારનો માળો બનાવે છે. કાગડા  ૪ થી ૫ આછા વાદળી રંગના ઈંડા માળામાં મૂકે છે જયારે તે બહાર હોય ત્યારે કોયલ તેના માળામાં પોતાનાં ઈંડા મૂકી જાયછે.
કાગડો એક લુચ્ચું પણ નીડર પક્ષી છે....ચતુર કાગડાની વાર્તા તો બધાયે સાંભળીજ હશે. 

કોયલ


કોયલ

કોયલ તો કાળી હોય?
આ છે કોયલ (માદા). કોયલો એટલે કે નર કોયલ કાળો હોય અને જે સવારના પેહલા પોરે અથવા સાંજના સુરજ આથમી જાય પછી  કૂઉ – કૂઉ - કૂઉ બોલે છે. ભર ઉનાળે નર કોયલ ખીલતો હોય છે અને ધીમેથી ચાલુ કરી ૭ થી ૮ વાર ઉંચા અવાજે બોલતો હોય છે, અને પછી એકદમ ચુપ થઇ જાય. શિયાળા દરમિયાન તે શાંત રહે. એમ કેહવાય છે કે માદા કોયલ બોલી નથી શકતી પણ ખરેખર તે ફક્ત કીક – કીક – કીક કરી એક ડાળ થી બીજી ડાળ પર કુદકા મારે છે. ઘણીવાર તે પાણીના બુલ્બુલીયા જેવો અવ્વાજ કાઢે છે. માદા કોયલ ભૂખરા રંગની અને તેના ઉપર ઘાટા રંગના છરકા હોય છે. બંને નર અને માદા દેખાવમાં નાજુક અને લાંબી પૂંછડીવાળા હોય અને બન્નેની આંખ લોહી રંગની તથા નરની ચાંચ સફેદ હોય છે.
કોયલ પોતાનો માળો બનાવતી નથી. અપ્રિલ થી ઓગસ્ટ ( જે કાગડાનો પણ માળા બનાવવાનો સમય હોય) દરમિયાન તે સાદા કાગડા અથવા જંગલમાં મહાકાગના માળામાં પત્થરિયા અથવા આછા લીલા રંગના ૭ થી ૧૩ જેટલા ઈંડા મુકે છે. કદાચ આજ કારણે ઘણા લોકો કોયલ એટલે કાગડાની માદા માની બેસતા હશે.
કોયલ બગીચા, આછા જંગલોમાં, પોહલા પાંદડા વાળા વૃક્ષોમાં બેસવાનું પસંદ કરે છે. આમતો કોયલ નો મુખ્ય ખોરાક ફળ અને ટેટા, પણ તે નાની ઇયળો અને જંતુઓ પણ આરોગે. તેની ઉડાન સીધી, લાંબો અંતર તે ઝડપથી બે ચાર વખત પાંખ ફફડાવી પુરો કરે છે.. તેને અંગ્રેજીમાં એશિયન કોયલ અને મરાઠવાડમાં નરને કોકિલ અને માદાને કોકિલા કહે છે.