Friday, July 5, 2013

સુડો (પોપટ)

સુડો (પોપટ)

પોપટને આ પીંજરું જૂનું - જૂનું લાગે... પક્ષીઓ વિષે લખું છું ત્યારે મને એક પ્રશ્ન ઉભો થાય છે...દુખ થાય... પક્ષીઓને લોકો પીંજરામાં કેમ પૂરી દેતા હશે? કેટલાક લોકો પોપટની પાંખ કાપી પિંજરામાં પૂરી, ફૂટપાથ  ઉપર ટેરોટ પત્ત્તા વડે તમારું ભવિષ્ય જણાવવા બેસતા હોય છે. સુડો પોપટ આપણા ચાળા પાડી શકે અને એને જે શીખવાડ્યું હોય તે રટીને બતાવે છે.
નર સુડોને ગળા ઉપર લાલ રંગની પટ્ટી હોય, તેના લીધે તેને અંગ્રેજીમાં રોઝ રીન્ગડ પેરાકીટ અને હિન્દીમાં તોતા કહે છે અને તે ‘પેરોટ’ કુળના ૩૦૦ થી વધુ પર્જાતિઓમાંનું એક પક્ષી છે. સુડો એક બુદ્ધિશાળી પક્ષીઓમાંનું એક ગણાય છે, પણ એમ મનાય છે કે ‘આફ્રિકન ગ્રે પેરોટ’ શબ્દને તેના અર્થ સાથે જોડી શકે છે. એક વાર મુંબઈની પક્ષી બઝારમાં પોપટને રમકડાંની બંદૂક લોડ કરી ફોડતા જોયો હતો. સર્કસમાં સાયકલ ચાલવતાં પણ તમે જોયો હશે. સુડોની લંબાઈ ૪૦ થી ૪૨ સે.મી હોય છે. સુડો પોપટ વ્રુક્ષ્ ઉપર અને ઉડતા સમયે ‘કીક-કીક-કીક’ કરીને બોલે છે. તે ૨ થી ૫ ના ટોળામાં રેહતા હોય છે. સુડો પાક અને ફળને ખોતરી ખોતરીને સારા ભાગ ખાય અને ખાધા કરતાં બગાડ વધારે કરે છે.

સુડો પોપટના માળાનો સમય ફેબ્રુઆરીથી એપ્રીલ, અને તે વ્રુક્ષ્ પર નહિ, દીવાલની બખોલમાં, પત્થરના ખાંચામાં, વસ્તીવાળા વિસ્તારમાં બનાવે છે. માળામાં ૪ થી ૬ સફેદ ગોળ જેવાં ઈંડાં મૂકે છે અને બન્ને નર અને માદા બચ્ચાઓનું ધ્યાન રાખે છે.

હુડીઓ બુલબુલ

હુડીઓ બુલબુલ

દક્ષિણ ભારતમાં પહેલવહેલાં ૧૭૬૬માં શોધાયેલું આ પક્ષી ભારત, મ્યાનમાર અને તિબેટના કેટલાક વિસ્તારનું રહેવાસી ગણાતું હવે દુનિયાના ઘણા વિસ્તારમાં લાવવામાં આવેલ છે. પેહલાના વખતમાં દક્ષિણ ભારતમાં તેને દોરીથી બાંધી એકબીજા સાથે લડાવતા અને શરતો લગાડતા.
૨૦ સે.મી. ઊંચું બુલબુલ ઘેરા કથ્થાઇ રંગનું અને તેનું માથું કાળા રંગનું હોય છે. પેટની નીચે લાલ ફૂમતું હોવાથી તેને અંગ્રેજીમાં ‘રેડ વેન્ટેડ બુલબુલ’ અને હિન્દીમાં ગુલ્દુમ કહે છે. તેની આંખ ઘેરા લાલ રંગની અને પૂંછડીના છેડાના પીંછાં સફેદ રંગનાં હોય છે. ઉડતા સમયે પેટની નીચે એક સફેદ કલરનો પેચ દેખાય છે. આંદામાન અને નિકોબારમાં તે જોવા મળતું નથી વળી પાકિસ્તાનમાં પણ તે ઓછું જોવા મળે છે.. પુખ્ત વયના પક્ષી ઉપર એક નાની કલગી હોય છે.
હુડીઓ બુલબુલ જોડીમાં અથવા નાનાં ટોળામાં ફરતાં હોય અને તે પણ ખાસ કરીને બગીચાઓમાં અને પાંખા વન વિસ્તારમાં તે રેહવા પસંદ કરે છે. આ બુલબુલ આપણી આસપાસ અને જંગલોમાં પણ દેખાય છે.
બુલબુલ વડ અને પીપળના ટેટા, ચણા ખાવા પસંદ કરે અને પાંખવાળાં જીવડાં તેનો મુખ્ય ખોરાક છે. ક્યારેક ફૂલમાંથી મધુર રસ પણ પીવે છે. હુડીઓ બુલબુલની બોલી કોઈ ખાસ પ્રકારની નથી હોતી પણ તે ઘણી જાતના મીઠા અવાજ કાઢે છે. તે નાનાં પક્ષીઓને શિકારીઓથી ચેતવણી આપતો પણ અવાજ કરે છે.

હુડીઓ બુલબુલના માળાનો સમય ફેબ્રુઆરી થી મેં છે. પાતળા મૂળિયામાંથી એક કપ આકારનો માળો બનાવી બહારની સાઈડમાં  કરોળીયાના બાવાં વડે પ્લાસ્ટર કરે છે. આમતો તે નાનાં વ્રુક્ષ્ પર માળો બનાવતાં હોય છે પણ કેટલીક જગ્યાએ ૩૦ ફૂટ ઊંચાં માળા પણ જોવા મળ્યા છે. માળામાં ૨ થી ૩ ઈંડાં મૂકે છે. ઈંડાં આછા ગુલાબી અને તેના પર જાંબલી, કથ્થાઈ રંગના ટપકા હોય છે. 

હોલો

હોલો

હોલો પારેવા કુળનું ( ફેમીલી કોલંબાઈડ) પક્ષી છે. ઢોલ અને હોલો ઘણી વાર સાથે ફરતા દેખાય અને તેને લીધે લોકો હોલોને ઢોલની માદા સમજે છે. 
આછા ભૂરા અને ભૂખરા રંગનાં આ પક્ષીની ગરદન ઉપર શતરંજના ચોકઠાં જેવાં કાળાં નાનાં ટપકા દેખાય છે. હોલો ૨૦ થી ૨૩ સે.મી લાંબો અને શરીરમાં નાજુક દેખાય છે. તે જયારે બોલે ત્યારે નાનું બાળક હસતું હોય એમ લાગે છે અને તેથી તેને અંગ્રેજીમાં ‘લાફિંગ ડવ’ કહે છે. તેને ‘લીટલ બ્રાઉન ડવ’ પણ કહે છે. હિન્દીમાં તેને પડકી અથવા પેન્ડુંકી કહે છે. હોલો ભારતભરમાં રહે છે. હોલો વધારે સૂકાં પ્રદેશમાં અને ખાસ કરીને કંટાળા વન વિસ્તારમાં રહેવા પસંદ કરે છે. શ્રીલંકા જેવા ભેજવાળા દેશોમાં તે નથી રહેતો.  ઢોલની જેમ હોલો પણ ઘરનાં આંગણામાં ફરતા દેખાય છે અને ડોક આગળપાછળ કરતા ચાલે છે. એની બાજુમાંથી પસાર થઈએ ત્યારે તે બે-પાંચ ડગલાં ખસી અને ફરીથી એજ જગ્યાએ આવી ચણવા માંડે છે. ઢોલની જેમ તે સંવનન સમયે માદાની આજુ બાજુ કાચીંડાની જેમ ગરદન ઉપર-નીચે કરતો ચાલે છે અને ૫-૬ મીટર ઉપર ઉડી અવાજ કરતો માદા ની પાસે પરત આવે  છે.

હોલો જમીન ઉપર વેરાયેલા દાણા અને બી ખાય છે. ગામડાના ઘરના પીઢીયા ઉપર અથવા ઉપસી આવેલ પાળ ઉપર પોતાનો માળો બનાવે છે અને ૨ સફેદ ઈંડાં મૂકે છે. પાતળાં સાઠીકડાં વડે અસ્તવ્યસ્ત માળો બનાવે અને જયારે માદા એમાં બેસવા જાય ત્યારે એકાદ ઈંડું પડી જાય. વળી બાકી રહેલું ઈંડું શિકારી પક્ષી ચટ કરી જાય. નસીબે વર્ષ દરમિયાન એકાદ વખત એમાં બચ્ચાં થાય. 

ઢોલ


ઢોલ

ઢોલ ને કેટલાક લોકો હોલો પણ કહે છે. હિન્દીમાં તેને ઢોર ફખતા અથવા પનડુક કહે છે. આ પક્ષી આપણી આસપાસ રેહવા પસંદ કરે છે. રાખોડી અને ભૂખરા રંગનું આ પક્ષી ૩૦ થી ૩૩ સે.મી લાંબુ હોય છે અને તેના ગળા ઉપર કાળા રંગનો પટ્ટો હોય છે તેથી તેને અંગ્રેજીમાં યુરેઝિયન કોલર્ડ ડોવ કહે છે. ઢોલની આંખ ઘાટા લાલ રંગની હોય છે પણ તે દૂરથી કાળી દેખાય છે. એમ કેહવાય છે ૧૯મી સદી સુધી તે એશિયા ખંડમાં સીમિત હતું. ત્યાર બાદ અમેરિકા અને યુરોપ ખંડમાં દાખલ કરાવડાવ્યું.
પારેવા જેવડું આ પક્ષી આખા ભારતમાં જોવા મળે છે. બન્ને નર અને માદા સરખાં દેખાય અને બન્ને પોતાનાં બચ્ચાનું ધ્યાન રાખે છે. ઢોલ સૂકા પ્રદેશમાં રેહવા પસંદ કરે અને બપોર પડે તે બાવળ અથવા ઢાક જેવાં વૃક્ષ પર જઈ આરામ કરે. અમારા ઘરની વંડી ઉપર બન્ને પગ સંકેલીને બેસે છે અને ઘણી વાર તો અમારી ઓસરીમાં આવી જાય છે. ઢોલ ચાલતી વખતે ડોક આગળ પાછળ હલાવે છે.
ઢોલ કૂક-કુઉક કૂક એક સાથે ઘણી વાર ઘેરા અવાજે બોલે છે. નર પોતાનું ગળું ફુલાવી અને માદાની આસપાસ ફરે અને તેની ચાંચ માંદાની ચાંચ સાથે ઘસી તેનો પ્રેમ દેખાડે. નર માદાની પ્રેમ યાચના વખતે તે પાંખ ફાફ્ડાવી આકાશમાં ઉડીને પૂંછ ખુલ્લી રાખી કું-કું-કું કોલાહલ કરતું-સરકતું પાછું એની જગ્યાએ આવી જાય, એ દ્રશ્ય જોવા લાયક હોય છે.
ઢોલ આખાં વર્ષ દરમિયાન પાતળા સાઠિકડાં વડે પોતાનો માળો બનાવે અને તેની અંદર સફેદ કલરનાં ઈંડાં મૂકે છે. તેનો માળો એટલો  હોય કે તેમાંથી ઈંડાં નીચે પડી જાય છે.